આ વિરાટ વિશ્વનેય ચાંચમાં ભરી જવાય
પાંખ પણ ન ફડફડે અને ગગન તરી જવાય
એ રીતેય પર્ણ થઈ ડાળ પર રહી શકાય
વૃક્ષનેય ના ખબર પડે અને ખરી જવાય
રૂપ, રાગ , રંગ, સંગને’ય ના કશું જણાય
નીંદવશ રહે બધુ ને માર્ગ ચાતરી જવાય
એ રીતેય આંસૂઓનું પર્વ ઉજવી શકાય
પાંપણોથી બે ઘડી ભીનાશ વિસ્મરી જવાય
જીવ છો સુગંધના તો આટલું કરી શકાય
ફૂલ જેમ ઊઘડીને બહાર નિસરી જવાય
કૃષ્ણ દવે.
Recent Comments