મને એ જ સમજાતું નથી કે…
24 Sep 2011 Leave a Comment
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.
ટળવળે તરસ્યાં ત્યહાં, જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂશળધાર વરસી જાય છે.
ઘરહીણા ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચૂંબી મહાલો જનસૂના રહી જાય છે.
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે.
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.
- કરસનદાસ માણેક





આપના પ્રતિભાવો